સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો.

ઉત્તર ગુજરાતમાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ, યોજાયો ભૂમિપૂજન સમારોહ

Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri Gujarat

Patan: પાટણ, સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ભૂમિપૂજન સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના સામાજિક-રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, ટ્રસ્ટીઓ અને સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મંદિર ચેતનાનું કેન્દ્ર પણ બનવું જોઈએ, જ્યાં સમસ્યાઓનું સમાધાન થાય, આ કાર્ય કરવા બદલ ખોડલધામની ટીમને અભિનંદનઃ આનંદીબેન પટેલ

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આંનદીબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંડેર ખાતે ભવ્ય ખોડલધામ મંદિર બનવા જઈ રહ્યું છે. જ્યાં ભવિષ્યમાં કૌશલ્યનું નિર્માણ થશે, યુવાઓને પ્રેરણા સાથે રોજગાર મળી રહે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સમાજના વિકાસ માટે ખોડલધામ માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે નરેશભાઈ અને તેમની ટીમને ધન્યવાદ આપું છું. સામાન્ય રીતે મંદિરનું નિર્માણ દર્શન, પૂજા અર્ચના અને ભક્તિમાં તરબોળ થવા માટે હોય છે.

પરંતુ મંદિર ચેતનાનું કેન્દ્ર પણ બનવું જોઈએ જ્યાં સમસ્યાઓનું સમાધાન થાય. આ કાર્ય કરવા બદલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ટીમને અભિનંદન પાઠવું છુ. તેમજ વધુમાં સૌને સૂચન કરતા કહ્યું કે, દીકરીઓ અને માતાઓના સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરી તેઓ સ્વસ્થ રહે અને કેન્સર જેવી બીમારીઓથી મુક્ત રહે એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ.

ખોડલધામના આંગણે આવીને દિવ્યતાની સાથે ગૌરવની લાગણી અનુભવું છુઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રિનાં પાવન પ્રસંગની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, આજે દુર્ગાષ્ટમીના પાવન પ્રસંગે પવિત્ર તીર્થધામ ખોડલધામના આંગણે આવીને દિવ્યતાની સાથે ગૌરવની લાગણી અનુભવું છું. ખોડલધામ સંકુલે વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર કરવાનું કાર્ય કર્યું છે.

ખોડલધામની સેવા પ્રવૃત્તિનો લાભ તમામ સમાજને પહોંચાડી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખોડલધામ સંકુલ આધ્યાત્મિકતા સાથે આધુનિકતાનું કેન્દ્ર બનશે. અહીં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કૃષિ સંશોધન કેન્દ્ર, યુવાનો માટે લાઇબ્રેરી- હોસ્ટેલ જેવી સુવિધાઓ તથા નાગરિકો માટે સરકારી યોજનાના સહાય કેન્દ્ર પણ બનશે.

રાણકી વાવ પછી પાટણમાં ખોડલધામ પ્રવાસનનું કેન્દ્ર બનશેઃ નરેશભાઈ પટેલ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સૌને શુભેચ્છા આપતાં જણાવ્યું હતુ કે આજે ફક્ત આનંદનો દિવસ નહીં, ઐતિહાસિક દિવસ નહીં પરંતુ પાટીદારો માટે ગૌરવનો દિવસ છે. ખોડલધામની સફળતાનાં આપ સૌ ભાગીદાર છો. ખોડલધામની આ સફળતામાં મહાનુભાવોનો સિંહફાળો છે. તેમણે જણાવ્યું કે, રાણકી વાવ પછી પાટણમાં ખોડલધામ પ્રવાસનનું કેન્દ્ર બનશે.

સંડેર ખાતે આયોજિત શ્રી ખોડલધામ સંકુલના ભૂમિપૂજન સમારોહમાં સમાજની દીકરીઓ અને ટ્રસ્ટીશ્રીઓ ભૂમિપૂજનની પૂજામાં જોડાયા હતા. ભૂમિપૂજન સમારોહ પ્રસંગે લોકડાયરાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

જેમાં કલાકારોએ હાસ્યરસ અને માતાજીના ભજનની રમઝટ બોલાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ ભૂમિપૂજન સમારોહના કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ દીકરીઓ અને મહિલાઓ દ્વારા માતાજીનો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત શ્રીમતિ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેશભાઈ પટેલને ઉત્તર ગુજરાત ખોડલધામ સમિતિ દ્વારા હાર પહેરાવી, મંદિર અને માતાજીની છબી અને પાટણના વિખ્યાત પટોળા આપીને સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલાના નવનિયુક્ત ટ્રસ્ટીઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલના હસ્તે સન્માન કરાયું હતું.

શ્રી ખોડલધામ સંકુલના ભૂમિપૂજન પ્રસંગે બાલીસણાથી સંડેર ગામ સુધીની માતાજીના રથ સાથે પગપાળા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પગપાળા સંડેર ભૂમિપૂજન સ્થળે પહોંચ્યા હતા. સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. સેવાના આ કાર્યમાં 400 લોકોએ સહભાગી થઈને રક્તદાન કર્યું હતું.

આ ઉપરાંત 100 જેટલા સ્વંયસેવકોએ મળીને ભૂમિપૂજન સમારોહ દરમિયાન ક્યાંય કચરો ન જોવા મળે તે માટે સફાઈ અભિયાન ચાલુ રાખ્યું હતું. કાર્યક્રમના અંતે 17 હજારથી વધુ લોકોએ મા ખોડલનો ભોજનરૂપી મહાપ્રસાદ લીધો હતો.