રાયપુરમાં રમાયેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું. આ સાથે જ પાંચ મેચોની સિરીઝ પણ ટીમ ઈન્ડિયાના નામે થઈ ગઈ છે.
IND vs AUS 4th T20I: ટીમ ઈન્ડિયાએ રાયપુર ટી-20માં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવીને પાંચ મેચની T20 શ્રેણી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 154 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે રિંકુ સિંહ અને જીતેશ શર્માએ બેટિંગમાં પોતાની તાકાત બતાવી હતી. આ સાથે જ અક્ષર પટેલની સ્પિન બોલિંગમાં તબાહી મચાવી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે હવે આ T20 સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
કેપ્ટન મેથ્યુ વેડે ચોક્કસપણે એકલા હાથે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ તેને બીજા છેડેથી કોઈ સમર્થન મળ્યું ન હતું. મેથ્યુ શોર્ટ 19 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. બેન દ્વારશિઅસ પણ એક રન બનાવ્યા બાદ ચાલ્યો ગયો. ક્રિસ ગ્રીન પણ અંતે મોટા શોટ રમવાને બદલે ત્રણ બોલમાં માત્ર બે રન જ બનાવી શક્યો હતો. કેપ્ટન વેડ 23 બોલમાં 36 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. ઓસ્ટ્રેલિયન ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી અક્ષર પટેલે ત્રણ, દીપક ચહરે બે, રવિ બિશ્નોઈ અને અવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી.