રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ સરકારે જાહેર કર્યા ટેકાના ભાવ

Spread the love

હર્ષિત જાની; ગાંધીનગર

ગાંધીનગર : ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરાઇ છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની તુલનમાં સરેરાશ ૨ થી ૭ ટકા જેટલો વધારો કરાયો છે.

જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૫૦ પ્રતિ ક્વિ., ચણામાં રૂ. ૧૦૫ પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. ૨૦૦ પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો હોવાનું રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો- માં અંબાની આરતી કરીને દાદાએ માણી ગરબાની મજા; જૂઓ ફોટો

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.
ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરાય છે, જેથી ખેડૂતો આગોતરું આયોજન કરી શકે.

વર્ષ ૨૦૨૩-૨૪માં ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. ૨૨૭૫ પ્રતિ ક્વિ., જવ માટે રૂ. ૧૮૫૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ., મસૂર માટે રૂ. ૬૪૨૫ પ્રતિ ક્વિ., રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. અને કસુમ્બી માટે રૂ. ૫૮૦૦ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરાયો છે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. ૧૦૫ થી રૂ. ૪૨૫ પ્રતિ ક્વિ.નો વધારો કરાયો છે.

આ પણ વાંચો-એક મહત્વપૂર્ણ કામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જશે મુંબઈ ; જાણો શું છે કાર્યક્રમ?