પરેશ ધાનાણી સટાયર કવિતા સાથે ફરી આવ્યાં મેદાને

Spread the love

Lok Sabha Election 2024 : ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા બાદ અમુક બેઠકોને લઈને  ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શમતો નથી, જેના કારણે નેતાઓ ચિંતિત બન્યાં છે. ક્યાંક પોસ્ટર વોર, ક્યાંક ઓડિયો થકી વિરોધ, કયાંક રેલી કાઢીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

સાબરકાંઠા અને વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલવા પડ્યા, જો કે નવા ઉમેદવાર સામે પણ વિરોધ ઉભો થયો છે. તો પોરબંદરમાં માંડવિયા વિરુદ્ધ પોસ્ટરવોર જામ્યું છે. મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં વિરોધ વંટોળ યથાવત્ છે. તો રાજકોટમાં વિવાદિત નિવેદન આપનાર પરસોત્તમ રૂપાલાનો પણ વિરોધ થઈ રહ્યો છે. 

ગુજરાતમાં ભાજપે 26 ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે પણ ઉમેદવારોની પસંદગીને લઇને હાઇકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહીં, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનુ નામ લેતો નથી.આ કારણોસર પ્રદેશ નેતાગીરી ય ચિંતામાં મૂકાઇ છે. હવે ડેમેજ કંટ્રોલ કરવા દોડધામ મચી છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપાયુ છે.

‘શિસ્તબદ્ધ’ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં આવી સ્થિતિ  ઉભી થતા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રહારો કર્યા. હવે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી પણ પોતાની સટાયર કવિતાઓ સાથે મેદાનમાં આવ્યાં છે. ભાજપની વર્તમાન સ્થિતિ અંગે પરેશ ધાનાણીએ X પર લખ્યું છે – 

“હાલ “કમલમ”માં કકળાટ, જ્યારે “કોંગ્રેસ” ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કુ.!”

રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ તેમનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. ભૂતકાળમાં વિધાનસભા ચૂંટણીમાં પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને હરાવ્યાં હતા. રાજકોટ બેઠક પર કોંગ્રેસે હજી ઉમેદવાર જાહેર કર્યો નથી.આવામાં પોતાની સટાયર કવિતા સાથે પરેશ ધાનાણી મેદાનમાં આવતા ચર્ચાઓ વહેતી થઈ છે.